વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણમાં મદદ કરવી એ એક ઉચ્ચ વિચાર

વિદ્યાર્થી મિત્રો, હાલમાં જ ઋત્વિક રોશનની ફિલ્મ સુપર ૩૦ રજૂ થઈ. બોલીવુડની મોટાભાગની ફિલ્મો રોમાન્સ અને એક્શનથી ભરપૂર જાવા મળે છે. પરંતુ આ ફિલ્મમાં એક અલગ જ વિચાર રજૂ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પર આધારિત ફિલ્મ હજી પણ બોલિવુડમાં ખૂબજ ઓછી બને છે. હજી પણ આ વિષય અછૂતો જ રહ્યો છે. ઉચ્ચ અભ્યાસ માટે ગરીબ વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટેનો ઉમદા વિચાર આ ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યો છે. ખરેખર આ ફિલ્મ આપણી એજ્યુકેશન સિસ્ટમ માટે સમજવા જેવો વિષય છે. એજ્યુકેશન સિસ્ટમને માત્ર કમાણીનું સાધન ન સમજતા એક સમાજસેવાનો વિષય સમજવો જાઈએ. જ્યારે કોઈ ગરીબ વિદ્યાર્થી માત્ર પોતાની આર્થિક સ્થિતિને લીધે યોગ્યતા હોવા છતાં પણ આગળ ભણી શકતા નથી. તેમના માટે સમાજે કાંઈક કરવું જાઈએ તેવો એક ઉમદા વિચાર આ ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યો છે. બિહારનાં આનંદકુમારનાં જીવન પર બનેલી આ ફિલ્મ હાલમાં દર્શકો ખૂબજ પસંદ કરી રહ્યાં છે. આજથી વર્ષો પહેલાં કહેવાતું હતું કે શિક્ષક અને ડાક્ટર એ સમાજનાં સૌથી સમજદાર અને ઉચ્ચ ગુણવત્તાવાળા વ્યક્તિઓ હોય છે. તેઓનો વ્યવસાય માત્ર પૈસા કમાવવા માટેનું સાધન ન હોઈ સેવાનો પણ માર્ગ છે. વર્ષો પહેલાં લોકો ડાક્ટર અને શિક્ષકને ભગવાન બરાબરનો દરજ્જા આપતા. લોકોની જિંદગી બચાવનાર ડાક્ટર અને બાળકોની જિંદગી બનાવનાર શિક્ષક પોતાનાં વળતર રૂપે રૂપિયાની સાથે આશીર્વાદ પણ ખૂબ મેળવતા. હાલમાં આનાં કરતાં ખૂબજ ઊલ્ટું થઈ રહ્યું છે. શિક્ષણ અને આરોગ્ય એ પૈસા કમાવા માટેનો ધીકતો ધંધો થઈ ગયાં છે. લોકો તેમાંથી લખલૂટ રૂપિયા કમાઈ રહ્યાં છે. હાલમાં કોઈપણ મધ્યમ વર્ગનાં પરિવાર માટે સૌથી મોટો ખર્ચ બાળકોનાં શિક્ષણ અને વડીલોનાં આરોગ્ય પાછળ થઈ રહ્યો છે. બાળકોને શિક્ષણ આપવું એ અઘરું થઈ પડ્યું છે. અને જે ઘરમાં બે કે તેથી વધુ બાળકો અભ્યાસ કરતાં હોય તેનાં ઘરનું તો સમગ્ર બજેટ બાળકોનાં અભ્યાસને લીધે ખોરવાઈ જતું હોય છે. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની ફી અને તે ઉપરાંત ટ્યૂશન, સ્ટેશનરી વગેરેનાં થતાં ખર્ચનાં લીધે મધ્યમ વર્ગની કમર વળી જાય છે. તેવા સમયમાં આ ફિલ્મમાં બતાવેલો વિષય પણ વિચાર માંગી લે છે. શું આપણે સમાજ પાસેથી ઘણુંબધું લઈને આજે સારી પોઝીશનમાં જીવી રહ્યાં છીએ, તો આપણી સમાજને પાછું આપવાની કોઈ ફરજ નથી? ગરીબ વિદ્યાર્થીઓ કે જેમનો અભ્યાસ માત્ર ને માત્ર પૈસાને લીધે અટકી રહ્યો હોય, તેમને મદદ કરવી તે શું આપણી ફરજ નથી? એક અખબારનાં તંત્રી તરીકે જ નહીં, પરંતુ એક નાગરિક તરીકે પણ મને આ વિચાર ખૂબ ગમ્યો અને આ વિશે અહીં લખવાની ઇચ્છા થઈ આવી. ટૂંક સમયમાં જ ‘અમદાવાદ કેરિયર’ ન્યૂઝપેપર પણ ગરીબ વિદ્યાર્થીઓ માટે કંઈક કરવાની ભાવના સાથે આગળ આવશે તેવો વિચાર હાલમાં છે. ગરીબ વિદ્યાર્થીને તેનાં અભ્યાસમાં મદદ કરવી તેવો વિચાર ખૂબજ ઉમદા છે અને આ ફિલ્મ બનાવનાર તથા તેમાં અભિનય કરનાર તથા જેમનાં જીવન પરથી આ ફિલ્મ બની છે તે આનંદકુમારને પણ ખૂબ અભિનંદન... (તંત્રીલેખ – અમદાવાદ કેરિયર – તા. 16-07-2019 ઇશ્યૂ)

Comments

Popular posts from this blog

કંપની સેક્રેટરી – સ્ટાર્ટઅપ હોય કે નોકરી બંનેમાં છે ઉજ્જવળ તકો

દરેક વિષય હોય છે સ્કોરિંગ સબ્જેક્ટ, રાખો સરખી જ તૈયારી

નાનપણથી જ એક્ટિવ રહેનાર વિદ્યાર્થીઓ બની શકે છે વધુ સફળ