કંપની સેક્રેટરી – સ્ટાર્ટઅપ હોય કે નોકરી બંનેમાં છે ઉજ્જવળ તકો

કંપની સેક્રેટરી એક ખૂબ સારા પગારધોરણવાળો હોદ્દો છે. જે માટે ધોરણ-12 અને ગ્રેજ્યુએશન પછી તૈયારી શરૂ કરી શકો છો. નવા યુગમાં સ્ટાર્ટઅપમાં પણ આના માટે ખૂબજ તકો છે. કંપની સેક્રેટરી (સીએસ) કોઈ કંપનીનું કેન્દ્રબિન્દુ હોય છે. કંપની એક્ટ-2013ના લાગૂ થયા બાદ કંપની સેક્રેટરી માટે તકો ઘણી વધી ગઈ છે. આ એક્ટ મુજબ ભારતમાં પાંચ કરોડ અથવા તેથી વધુ શેરમૂડી ધરાવતી દરેક કંપનીઓમાં એક ફૂલટાઇમ કંપની સેક્રેટરીની નિમણૂંક અનિવાર્ય કરવામાં આવી હતી. તો દરેક લિસ્ટેડ તથા પબ્લિક લિમિટેડ કંપનીઓ, જેની કુલ મૂડી 10 કરોડ રૂપિયા અથવા તેથી વધુ છે, તેના માટે એક ‘કી મેનેજરિયલ પર્સન’ની નિમણૂંક કરવી જરૂરી છે અને કંપની સેક્રેટરી તેના માટે યોગ્ય માનવામાં આવે છે. નિષ્ણાંતોના મત મુજબ આવનારા સમયમાં સ્ટાર્ટઅપના યુગમાં આ હોદ્દા માટે ઘણી તકો છે.

શું હોય છે કામ?

કોઈપણ કંપનીની વહીવટી અને કાયદાકીય જવાબદારીઓ સંભાળવાનું કામ મુખ્યત્વે કંપની સેક્રેટરીનું જ હોય છે. કંપનીનું દરેક કાયદાકીય કામ કંપની સેક્રેટરી જ કરે છે. કંપનીનાં દરેક દસ્તાવેજો પર સીએસ જ સિગ્નેચર કરે છે. ખાનગી કંપનીઓમાં તો આ એક ખૂબજ માનનીય પદ ગણવામાં આવે છે. કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર અને કંપનીની વચ્ચે તાલમેલ બેસાડવા, કંપની અને તેના શેર ધારકોની વચ્ચે સમન્વય સ્થાપિત કરવો જ કંપની સેક્રેટરીનું મુખ્ય કાર્ય છે. કંપની સેક્રેટરી વાર્ષિક રિટર્ન માટે પણ જવાબદાર હોય છે. સીએસનું કાર્ય વ્યવસાય અને કંપની કાયદાઓ વિશે સલાહ આપવાનું હોય છે. તેને ફાઈનાન્સ, કોમર્સ અને કાયદાનું જ્ઞાન હોવં ખૂબજ જરૂરી હોય છે.

શું છે યોગ્યતાની શરતો?

આ સરકાર દ્વારા ખબજ ઓછા ખર્ચનો ડિસ્ટેન્સ મોડનો એક પ્રોફેશનલ સર્ટિફિકેટ કોર્સ છે, જેમાં ભવિષ્ય ખૂબજ ઉજ્જવળ છે. આ કોર્સ ધોરણ-12 બાદ કરી શકાય છે, અથવા ગ્રેજ્યુએશન બાદ પણ તેમાં પ્રવેશ લઈ શકાય છે. કોમર્સ બેકગ્રાઉન્ડની સાથે સીએસનો કોર્સ ખૂબજ ફાયદાકારક છે. ત્યારબાદ નોકરી સાથે એમબીએનો કોર્સ કરીને આપ પોતાની કારકિર્દીને ટોચ પર લઈ જઈ શકો છો. આ પ્રોગ્રામ માટે ઇન્સ્ટીટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા (આઈસીએસઆઈ)નું સભ્ય હોવું જરૂરી છે. જેમાં સમગ્ર વર્ષ દરમ્યાન પ્રવેશ લઈ શકાય છે. પરીક્ષા વર્ષમાં બે વાર જૂન અને ડિસેમ્બરમાં આપવાની હોય છે. આ માટે આપને કટ ઓફ ડેટ્સ પહેલાં એડમિશન લઈ લેવાનું હોય છે. આ કોર્સ માટે કોઈ ઉંમર મર્યાદા નથી.

કામમાં છે ઘણાં પડકારો

આ એક ખૂબજ જવાબદારીભર્યો હોદ્દો છે. કંપની સચિવો પર પરિણામ આપવાનું હંમેશા દબાણ હોય છે. આમ તો મેનેજમેન્ટ અને લીગલ સર્વિસિઝ બાબતે સીએસ કોર્સ દરમ્યાન વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે, પરંતુ કંપનીઓ એવા વિદ્યાર્થીઓ અગ્રિમતા આપે છે, જેમણે અલગથી લો અથવા એમબીએની ડિગ્રી લીધી હોય. એવામાં જો આપ સારા પેકેજની આશા રાખો છો તો લો અથવા એમબીએની ડિગ્રી આપે લેવી જરૂરી છે.

ક્યાં મળશે તકો?

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ કોર્સને વિદેશી કંપનીઓ પણ માન્યતા પ્રદાન કરે છે, આ માટે મલ્ટીનેશનલ કંપનીઓમાં પણ તેનો ફાયદો મળી શકે છે. બેન્કિંગ, ફાઈનાન્સ, સ્ટોક, કન્સલ્ટન્સી ફર્મો અને કેપિટલ માર્કેટમાં કંપની સેક્રેટરીની માંગ વધુ હોય છે.આઈસીએસઆઈ દ્વારા ‘સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ’ પ્રાપ્ત કર્યા બાદ ઇન્સ્ટિટ્યુટના સભ્ય સ્વતંત્ર રીતે પ્રેક્ટિસ પણ કરી શકે છે. આ સાથે જ કોર્પોરેટ્સ કંપનીઓમાં સેવાઓ પણ આપી શકે છે. સરકારી નાણાંકીય સંસ્થાઓ, સ્ટોક એક્સચેન્જ, જાહેર ઉદ્યોગો, રાષ્ટ્રીયકૃત બેન્કોમાં કાયદાકીય સેવાઓ, કંપની બાબતોના વિભાગ – ભારતમાં સીએસનાં કેટલાંક મહત્વનાં ક્ષેત્રો છે. કંપની કાયદા બોર્ડ, અલગ અલગ સરકારી વિભાગોમાં પણ કંપની સચિવની જરૂરિયાત હોય છે. શૈક્ષણિક સંસ્થાઓમાં વિઝીટીંગ ફેકલ્ટી પણ બની શકાય છે અને ફાઈનાન્સિયલ માર્કેટ સર્વિસ તથા મેનેજમેન્ટ સર્વિસ જેવા કેટલાય ક્ષેત્રોમાં તકો પણ મળી શકે છે. પોતાની કંપની પણ બનાવી શકાય છે.

પગારધોરણ

કોઈપણ કંપનીમાં સીએસનો પગાર શરૂઆતથી જ 1 લાખ રૂપિયાથી વધુ હોય છે. યોગ્યતા અને અનુભવના આધાર પર આગળ જતાં તે 5 લાખથી 12 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.

મુખ્ય સંસ્થાઓ

(1) ધ ઇંસ્ટીટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (આઈસીએસઆઈ), નવી દિલ્હી, ચેન્નઈ, કોલકત્તા, મુંબઈ

(2) કેટલીક સંસ્થાઓ સીએસના કોર્સની સાથે કેટલાંક વિષયોમાં છૂટ વગેરે પણ આપે છે, જેમકે-

(3) ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી

(4) અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, અલીગઢ

(5) દેવી અહિલ્યા વિશ્વવિદ્યાલય, ઇન્દોર

(6) જવાહરલાલ નહેરૂ ટેક્નિકલ યુનિવર્સિટી, હૈદરાબાદ

કેવી રીતે કરી શકાય આ કોર્સ

આ પ્રોગ્રામનાં ત્રણ ચરણ હોય છે – ફાઉન્ડેશન, એક્ઝીક્યુટિવ અને પ્રોફેશનલ પ્રોગ્રામ. આને ધોરણ 12 બાદ કરી શકાય છે. એક્ઝીક્યુટિવ પ્રોગ્રામમાં ફાઈન આર્ટ્સનાં વિદ્યાર્થીઓ સિવાયના કોઈપણ ગ્રેજ્યુએટ્સ સીધા પ્રવેશ લઈ શકે છે. આ માટે સીએસ એક્ઝીક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (સીએસઈઈટી) પાસ કરવી જરૂરી હોય છે, જે માટે ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 50 ટકાથી વધુ માર્ક્સ હોવા જરૂરી છે. પ્રોફેશનલ પ્રોગ્રામ માત્ર એક્ઝીક્યુટિવ કોર્સ પાસ કરી ચૂકેલાં વિદ્યાર્થીઓ જ કરી શકે છે. ત્યારબાદ કેટલાંક મહિનાઓની ટ્રેનિંગ હોય છે. આ માટેનો કુલ ખર્ચ 40-50 હજારથી વધુ નથી હોતો. આને પોસ્ટ ગ્રેજ્યુએશનની સમકક્ષ કોર્સ માનવામાં આવે છે. વધુ માહિતી માટે www.icsi.eduની મુલાકાત લઈ શકાય છે.

Comments

Popular posts from this blog

દરેક વિષય હોય છે સ્કોરિંગ સબ્જેક્ટ, રાખો સરખી જ તૈયારી

નાનપણથી જ એક્ટિવ રહેનાર વિદ્યાર્થીઓ બની શકે છે વધુ સફળ